Home Uncategorized મોરારી બાપુની નિશ્રામાં યોજાશે કાગ ઉત્સવ

મોરારી બાપુની નિશ્રામાં યોજાશે કાગ ઉત્સવ

    લોકબોલીના વાલ્મીકિ અને લોક-સરવાણીના ભગીરથ એવા પદ્મશ્રી કાગબાપુની ૪૪મી પુણ્યતિથિ, ફાગણ સુદ ચોથના દિવસે છે. સૌરાષ્ટ્રના આ સમર્થ લોકકવિની સ્મૃતિ કાયમ લોકહૈયે જળવાઈ રહે, એ માટે પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી ૨૦૦૨થી "કાગ ઉત્સવ"  ઉજવવામાં આવે છે. જેમાં, પોતાના જીવનકાળ દરમિયાન ચારણી સાહિત્ય- લોક સાહિત્યમાં નોંધનીય યોગદાન આપનાર દિવંગત મહાનુભાવને એવોર્ડ અર્પણ કરીને તેમની મરણોત્તર વંદના કરવામાં આવે છે. ઉપરાંત લોકસાહિત્યનાં સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર, ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના પ્રચારક- પ્રસારક વ્યક્તિ કે સંસ્થા, તેમજ એક લોક ગાયક અને રાજસ્થાનના ચારણી સાહિત્યના એક વિદ્વાનને પ્રતિવર્ષ આ એવોર્ડ અર્પણ થાય છે. ચયન કમિટી દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિ કે સંસ્થાને શાલ, સૂત્રમાલા, પ્રશસ્તિ પત્ર અને પચાસ હજાર રૂપિયાની ધનરાશિથી સન્માનિત કરવામાં આવે છે.
      પદ્મશ્રી કાગબાપુ ટ્રસ્ટના નેજા નીચે, પ્રતિવર્ષ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં મજાદર-કાગધામ ખાતે કાર્યક્રમ યોજાય છે. ૨૦૨૧નો ચાલુ વર્ષનો કાગોત્સવ ૧૭ માર્ચે યોજાશે. આ સમારંભ ત્રણ વિભાગમાં યોજાય છે.

સૌ પ્રથમ, બપોરના સમુહ ભોજન પછી કવિશ્રીનાં નિવાસ સ્થાનની બહારના ચોગાનમાં-
“કાગને ફળીયે કાગની વાતું” – શિર્ષક અંતર્ગત ચારણી સાહિત્ય-લોક સાહિત્યના જાણતલ મહાનુભાવ દ્વારા કાગબાપુનાં જીવન-કવન વિશે વક્તવ્ય યોજાય છે. ૨૦૦૬થી આરંભાયેલ પ્રવચન શૃંખલાનો આ વર્ષે ૧૬મો મણકો છે. જેમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોક-ગાયક પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, અને લોકપ્રિય હાસ્યકાર શ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડ પોતાના વિચારો પ્રસ્તુત કરશે. કાર્યક્રમના અંતે પૂજ્ય મોરારીબાપુનું ઉદબોધન રહેશે.
સાંજના સમુહ ભોજન પછી, રાત્રીના નવ કલાકે ‘કાગ ઉત્સવ’ ના બીજા હિસ્સામાં “કાગ એવોર્ડ અર્પણ કાર્યક્રમ” રહેશે. ચાલુ વર્ષે સ્વર્ગસ્થ શ્રી ગીગાભાઈ બારોટ અને સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ ગઢવીની કાગ એવોર્ડથી વંદના થશે. તદુપરાંત લોકસાહિત્યનાં સંશોધન ક્ષેત્રનો આ વર્ષનો કાગ એવોર્ડ ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્ શ્રી બળવંતભાઈ જાનીને અર્પણ થશે.લોક સાહિત્યના પ્રચાર-પ્રસાર માટેનો એવોર્ડ ગાંધીનગરના શ્રી યોગેશભાઈ બક્ષાને, ગાયન ક્ષેત્રે લોક-ગાયિકા સુશ્રી કાશીબેન ગોહિલને, તેમજ રાજસ્થાની ચારણી સાહિત્યમાં પ્રદાન બદલ શ્રી નાહરસિંહ જાસોલને પૂજ્ય મોરારી બાપુના વરદ-પાવન હસ્તે એવોર્ડ અર્પણ થશે.
કાગ ઉત્સવના ત્રીજા તબક્કામાં, રાત્રે “લોકડાયરો” યોજાશે. જેમાં કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતના અનેક નામી-અનામી કલાકારો  કાગબાપુની રચનાઓનું ગાન કરશે.
“પદ્મશ્રી કાગબાપુ ટ્રસ્ટ” વતી કાગબાપુના પૌત્ર શ્રી બાબુભાઈ કાગ તથા તેમનો પરિવાર મહેમાનોને સૌરાષ્ટ્રની મહેમાનગતી માણવા માટે આ ઉત્સવમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here