Home Uncategorized ધૂળેટીએ ત્વચાની કાળજી કેવી રીતે રાખશો? : ડો. જયેશ સનારિયાએ આપ્યા મહત્વના...

ધૂળેટીએ ત્વચાની કાળજી કેવી રીતે રાખશો? : ડો. જયેશ સનારિયાએ આપ્યા મહત્વના સૂચનો

ધૂળેટીએ ત્વચાની કાળજી કેવી રીતે રાખશો? : ડો. જયેશ સનારિયાએ આપ્યા મહત્વના સૂચનો

હોળી-ધુળેટીનો દિવસ એટલે રંગોનો ઉત્સવ, રંગોની રમઝટ બોલે. સમગ્ર ભારતમાં આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવ્યો છે. તેનો હેતુ ખુશી મનાવવાનો છે. હર્ષની લ્હાણી કરવાનો છે. પરંતુ આજે હોળીનો તહેવાર આપણી તકલીફ વધારનારો બની ગયો છે. પહેલાંના સમયમાં હોળીની ઉજવણી કુદરતી રંગોથી થતી. તેમાં કેશુડા, હળદર, ગળી, મહેંદી, ગુલાલ, અબીલ વગેરે રંગો હતા. પરંતુ આજે ચાયનિઝ સિન્થેટીક રંગો આવી ગયા છે. જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે. પાકા રંગો કપડાં ને નકામા બનાવી દે છે. સૌથી મોટી સમસ્યા તો એ છે કે આ રંગો ચામડીના અનેક પ્રકારના રોગો ઊભા કરે છે.

હોળી એ એક એવો તહેવાર છે કે તમારી નામરજી હોય તો પણ તમારે તેની ઉજવણી કરવી પડતી હોય છે. મિત્રો આગ્રહ પૂર્વક લઇ જાય કે બળપૂર્વક કે અજાણતા કોઇ રંગી દે ત્યારે કુદરતી કે કૃત્રિમ રંગોના ભેદ પાડી શકાતો નથી. માથે પડયું સહન કરવાનું રહ્યું. કોઇ સાથે ઝઘડો ન કરાય આવા સંજોગોમાં તમારા ઉપર કૃત્રિમ રંગોનો છંટકાવ થવાનો છે. એવી તૈયારી સાથે જ બહાર નીકળવું. ત્યારે ચામડી, વાળ, આંખો તથા નખને નુકસાન ન થાય એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. કોપર સલ્ફેટ, આયોડીન, લેડ ઓક્સાઈડ, મરક્યુરી સલ્ફટ વગેરે જેવા બજારમાં મળતા સિન્થેટીક રંગોમાં મેટલ તેમજ કાચનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ હાનિકારક છે. તેને કારણે ચામડીમાં બળતરા થાય છે. એલર્જી, ખંજવાળ, લાલ ચકામા થવા, આંખોમાં બળતરા થવી, આંખો લાલ થઇ જવી, આંખોમાંથી પાણી પડવું, વાળ બરછટ અને સૂકા થઇ જવા જેવી તકલીફ થાય છે. જે લોકો ખીલ, ખરજવું, સોરાયસિસ, ખોડો જેવા ચામડીના રોગોથી પીડાતા હોય છે, તેમના રોગમાં આ સિન્થેટીક રંગોથી વધારો થાય છે.

તો શું હોળીનો તહેવાર ન મનાવવો ? તમે આ તહેવારની ઉજવણી કરવા ઉત્સુક હોય તો જરૂર ઉજવણી કરો. પરંતુ આટલી કાળજી જરૂર રાખો…

• હોળી રમ્યા પહેલાની કાળજી

(૧) હોળી રમવા જતાં પહેલા ત્વચા ઉપર સનસ્ક્રીન અને મોઇસ્યુરાઇઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવો.
(૨) આંખો ઢંકાય એવા સનગ્લાસનો ઉપયોગ કરવો. લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા.
(૩) વાળમાં કોપરેલ તેલ અથવા એરંડીયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું.
(૪) હોઠ ઉપર લીપબામ, સનસ્ક્રીન અથવા મોઇસ્યુરાઇઝર લગાવવું.
(૫) નખની અંદર રંગો ભરાઇ ના જાય માટે નખ કાપેલા રાખવા તેમજ નેઇલ પેઇન્ટ લગાવવું.
(૬) જાડા સુતરાઉ કપડાં પહેરવા.

• હોળી રમ્યા પછીની કાળજી

(૧) સૌ પ્રથમ ડ્રાય કલર ખંખેરીને શરીર પરથી દૂર કરવો. ત્યાર પછી ૫-૧૦ મિનિટ શાવર નીચે ઉભા રહીને સ્નાન કરો.
(૨) હૂંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ કુદરતી સાબુનો ઉપયોગ કરવો.
(૩) વાળને શેમ્પથી ધોવા તેમજ કન્ડીશનર કરવું અને તેલ લગાવવું.
(૪) ચામડી પરથી રંગ દૂર ન થાય તો તેને બહુ ઘસવી નહિ.
(૫) રંગ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવો નહિં.
(૬) કોઇપણ પ્રકારની બ્યુટી પ્રોસીઝર જેવી કે બ્લિચિંગ, વેકિસંગ, થ્રેડીંગ, પ્લકિંગ, સ્ક્રબિંગ તેમજ ફેસીયલ કરવું નહિ.
(૭) ઉપરોક્ત કાળજી લેવા છ તાં ચામડીમાં બળતરા થાય, બરછટ થાય, લાલ ચકામા થાય, તો નજીકના સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાવીને તેમનો અભિપ્રાય લેવો.

  • ડો.જયેશ સનારિયા
    સ્પર્શ એન્ડ કોસ્મેટિક ક્લિનિક મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here