કેશોદના ચારચોક પાસે અંડર બ્રીજ બનશે કે ઓવર બ્રિજ સોશ્યલ મીડિયાએ કૂતહુલ જગાવ્યું
સતાધારી પક્ષનાં ફોરવર્ડીયા હોદ્દેદારો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યાં બાદ ખરી હકીકતથી અજાણ નીકળ્યાં
કેશોદ તા.
કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટકનો પ્રશ્ન ચુંટણી સમયે જાગે અને પાછો અભેરાઈએ ચડાવી દેવામાં આવે આ સિલસિલો છેલ્લાં પંદરેક વર્ષથી ચાલે છે. સતાધારી પક્ષનાં આગેવાનો દ્વારા સાંત્વના આપી મામલો થાળે પાડી થીંગડા મારીને રોળવવામાં આવે છે. ત્યારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન સતાધારી પક્ષના ફોરવર્ડીયા હોદ્દેદારો આગેવાનો અને ઉત્સાહી ભક્તો દ્વારા સોશ્યલ મીડિયામાં લેટર પોસ્ટ કરી વાયરલ થયા મુજબ કેશોદના ચાર ચોક મેંદરડા એપ્રોચ રોડની મંજુરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવેલ હોવાની જાણ સતાધારી પક્ષના પ્રતિનિધિઓ અને હોદેદારોને કરવામાં આવી નહિં કે સંબંધિત કચેરી કે જવાબદાર અધિકારીઓને…! સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલાં લેટર મુજબ ચારચોક રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની જાણ કરવામાં આવી છે ત્યારે વાયરલ થયેલાં નક્શા મુજબ અંડરબ્રીજ બનાવવાનું દર્શાવવામાં આવ્યું છે જેનાં કારણે ચાર ચોક વિસ્તારનાં અને માંગરોળ રોડનાં વેપારીઓ અવઢવમાં મુકાયાં છે. સતાધારી પક્ષનાં આગેવાનો અને પ્રતિનિધિઓ પાસે ચોક્કસ માહિતીનો અભાવ છે ત્યારે સ્થાનિક કચેરી પણ અજાણ છે. કેશોદ શહેરમાં આઠેક વર્ષ પહેલાં દોઢ કિલોમીટર લાંબો ઓવરબ્રિજ મંજુર કરવામાં આવેલ હતો ત્યારે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા સાથે વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ડિઝાઈન બદલી લંબાઈ ઘટાડવા માંગણી કરી આંદોલન કરવામાં આવેલ જેથી ઓવરબ્રિજનું કામ મોફુક રાખવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના જવાબદાર કેબિનેટ મંત્રી જાણ કરતાં પત્રમાં અને નકશામાં ભિન્નતા જોવા મળતાં ફરીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે ત્યારે જવાબદાર સતાધારી પક્ષ દ્વારા આવી જશ ખાટવાની લ્હાયમાં બેદરકારી દાખવવામાં આવી હશે કે પ્રતિનિધિઓને સારાં ચિતરવામાં ઉતાવળે વાયરલ મેસેજો ફરતા કરવામાં આવતાં શહેરીજનો અને વેપારીઓમાં તર્ક વિતર્ક સર્જાયા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮ માં માંગણી સ્વીકારી જાણ કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ કરવામાં આવેલ જાહેરાતમાં કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજ બનાવવાનું દર્શાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮માં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ અંડરબ્રીજ બનાવવાનાં કામની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તાંત્રિક મંજૂરી મેળવી ટેન્ડરીગ પ્રક્રિયા પુર્ણ કરી નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવે એ ઈચ્છનીય છે ત્યારે જશ ખાટવાની દોડમાં પાછળ રાખવાની માનસિકતા ધરાવતા આગેવાનો અને કાર્યકરોને કારણે વિવાદો ઉભાં થતાં શિસ્ત અને અનુશાસન વાળી પાર્ટી પગલાં ભરશે તો આવનારાં દિવસોમાં આવાં વિવાદોથી શહેરીજનો અને વેપારીઓ મુક્ત થઈ શકશે.
ગોવિંદ હડિયા દ્વારા